તાજેતરમાં લેબનોન અને સીરિયામાં પેજર બ્લાસ્ટ થયા બાદ દરેક જગ્યાએ પેજરની ભારે ચર્ચા થઈ રહી છે, જેમાં 12 લોકો માર્યા ગયા હતા અને લગભગ 3,000 ઘાયલ થયા હતા.
લેબનોન અને સીરિયામાં થયેલા સીરીયલ પેજર બ્લાસ્ટને કારણે હિઝબુલ્લાને ઘણું નુકસાન થયું છે. જ્યાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હતા, જ્યારે 3,000થી વધુ લોકો ઘાયલ થયા હતા. વળી તે જ સમયે, સીરિયામાં 7 લોકો માર્યા ગયા છે. પેજર બ્લાસ્ટમાં ઘાયલ થયેલા ઘણા લોકોની હાલત ગંભીર છે જેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જોકે આ ઘટના બાદથી પેજર ચર્ચાનો વિષય બન્યો છે અને દરેક વ્યક્તિ આ વિશે વાત કરી રહી છે.
લગભગ ભારતમાં ઘણા લોકો પેજર વિશે જાણતા નથી. ખાસ કરીને મોબાઈલ યુગમાં જન્મેલી નવી પેઢી ! પરંતુ હિઝબુલ્લાહ લેબનોનમાં તેનો ઉપયોગ મોટા પાયે થાય છે. 1920 ના દાયકામાં પેજરની રજૂઆત પછી આની લોકપ્રિયતામાં કેવી રીતે ઘટાડો થયો અને આજે તેનો ક્યાં ઉપયોગ થાય છે તે વિશે જાણીશું.
આ પેજર શું છે?
પેજર એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે, જેનો ઉપયોગ એકબીજા સાથે વાત કરવા માટે થાય છે. આની મદદથી તમે ટૂંકા સંદેશા મોકલી અને પ્રાપ્ત કરી શકો છો.
પેજરનો ઇતિહાસ
ઇવિંગ ગ્રોસ નામના એક વૈજ્ઞાનિકે 1949માં દુનિયાનું પહેલું પેજર બનાવ્યું હતું. આનાથી હોસ્પિટલોમાં દર્દીઓને ઝડપથી શોધી શકાતા અને તેમને જરૂરી સારવાર આપી શકાતી. આ ઉપરાંત, ગ્રોસે વોકી-ટોકી અને સીબી રેડિયો જેવા બીજા ઘણા ઉપકરણો પણ બનાવ્યા હતા જેનાથી સંચાર ખૂબ સરળ બન્યો હતો.
'પેજર'ને ઓળખ અપાવવામાં મોટોરોલાનો આગવો રોલ
1959 માં, મોટોરોલાએ 'પેજર' શબ્દનો ઉપયોગ શરૂ કર્યો અને વિશ્વભરમાં પેજર્સને એક આગવી ઓળખ આપી હતી. 1960માં, જોન ફ્રેન્સિસ મિશેલે મોટોરોલાના વૉકી-ટૉકી અને કાર રેડિયો તકનીકને જોડીને પ્રથમ ટ્રાન્ઝિસ્ટરવાળું પેજર બનાવ્યું. જ્યાર બાદ મોટોરોલાએ આગામી 40 વર્ષ સુધી પેજરની દુનિયામાં રાજ કર્યું. ઉપરાંત ગ્રાહકો માટે પ્રથમ ટોન-ઓનલી પેજર, પેજબોય 1 જેવા ઉપકરણો પણ લોન્ચ કર્યા હતા.
પેજરની કિંમત અને તેને ચલાવનારાઓની સંખ્યા કેટલી હતી?
1970 અને 1980ના દાયકામાં પેજરની કિંમત 200થી 300 ડોલરની આસપાસ હતી. આ સિવાય તેની સેવાનો માસિક ખર્ચ 25થી 30 ડોલર જેટલો હતો. વળી સ્પોક નામની પેજર બનાવતી બીજી કંપનીના જણાવ્યા મુજબ, 1980 દરમિયાન વિશ્વભરમાં પેજરનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા આશરે 32 લાખ હતી.
પેજરમાં કરાયેલા ફેરફારો
1980ના દાયકામાં પેજરની શરૂઆત થઈ ત્યારે આંકડાકીય અને અલ્ફાન્યુમેરિક બંને પ્રકારના પેજર બજારમાં આવ્યા હતા. આંકડાકીય પેજર હોસ્પિટલોમાં શાંતિ જાળવવા માટે અવાજરહિત હતા અને ફક્ત નંબરો પ્રદર્શિત કરતા હતા. જ્યારે અલ્ફાન્યુમેરિક પેજર ટેક્સ્ટ સંદેશાઓ મોકલી શકતા હતા. આજે પણ ઘણી હોસ્પિટલોમાં ટુ-વે પેજરનો ઉપયોગ થાય છે જેનાથી સંદેશાઓ મોકલવા અને પ્રાપ્ત કરવા બંને શક્ય બને છે.
પેજર મેન્યુફેક્ચરિંગમાં અગ્રણી કંપનીઓ કઈ-કઈ છે?
મોટોરોલા, NEC કોર્પોરેશન, ફિલિપ્સ, પાનાસોનિક અને સ્પોક આ પાંચ મુખ્ય કંપનીઓ છે જે પેજર બનાવે છે. મોટોરોલાના 'પેજબોય' અને 'બ્રાવો' સૌથી પ્રખ્યાત પેજર મોડલ છે. NEC, ફિલિપ્સ અને પાનાસોનિક પણ વિવિધ ફીચર્સ અને ડિઝાઇન સાથે અનેક પ્રકારના પેજર બનાવ્યા છે. સ્પોક પેજિંગ સેવાઓ પણ પ્રદાન કરે છે અને પ્રીમિયમ પેજર બનાવે છે.
ક્યા કારણોસર પેજરનો ઉપયોગ ઘટ્યો?
પેજરની લોકપ્રિયતા ઘટવાનું મુખ્ય કારણ મોબાઈલ ફોનની વધતી સુલભતા હતું. મોબાઈલ ફોન સસ્તા થતાં, લોકોએ પેજરને બદલે મોબાઈલ અપનાવવાનું શરૂ કર્યું. મોબાઈલ ફોન પેજર કરતાં વધુ સુવિધાઓ પ્રદાન કરે છે, જેમ કે સીધો ફોન કરવાની ક્ષમતા, ઇન્ટરનેટનો ઉપયોગ વગેરે. આ બધા કારણોસર, લોકોએ પેજરને છોડીને મોબાઈલ ફોન અપનાવવાનું શરૂ કર્યું.
પેજર હવે ક્યાં-ક્યાં વપરાય છે?
પેજરનો ઉપયોગ માત્ર હિઝબુલ્લા દ્વારા જ થતો નથી, પરંતુ અમેરિકા અને બ્રિટન જેવા વિકસિત દેશો પણ પેજરનો ઉપયોગ કરે છે. આ પૈકી, પેજરનો ઉપયોગ ખાસ કરીને હોસ્પિટલો અને આરોગ્ય ઉદ્યોગોમાં થાય છે. તેમજ ઈમરજન્સી સેવાઓ અને કેટલીક ખાસ કંપનીઓ પણ કોમ્યુનિકેશન માટે પણ પેજરનો ઉપયોગ કરે છે.